World Autism Awareness Day

ઓટિઝમ: એક અનોખી દ્રષ્ટિ ઓટિઝમ, આ શબ્દ આજકાલના યુગમાં લોકો વચ્ચે ખૂબ પ્રચલિત થવા લાગ્યો છે. મારા બાળકને ઓટિઝમ તો નથી ને? આવું લગભગ દરેક માતા પિતા અમને પૂછે છે પરંતુ તેઓને ખરેખર ખબર જ નથી કે ઓટિઝમ એટલે શું? શું ઓટિઝમ એક રોગ છે? કે કોઈ બીમારી છે? ના, ઓટિઝમ એટલે દુનિયાને જોવાની એક અનોખી દ્રષ્ટિ જે દરેક વ્યક્તિ પાસે નથી. જો સ્પષ્ટ આંકડામાં જોઈએ તો લગભગ દર 36 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પાસે જ આવી દ્રષ્ટિ હોય છે. ખરેખર તો આપણા સમાજમાં ઓટિઝમને એક તકલીફ તરીકે જ જોવામાં આવે છે પરંતુ હકીકતમાં ઓટિઝમ ધરાવતું વ્યક્તિ ફક્ત દુનિયા પ્રત્યે આપણા કરતાં અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે એટલે જ આપણને તે અલગ લાગે છે બાકી તે આપણી જેમ જ એક સામાન્ય વ્યક્તિ છે. આ ઓટિઝમ ધરાવતા વ્યક્તિની દુનિયાને જોવાની દ્રષ્ટિ અલગ હોવાના કારણે સામાન્ય પ્રવૃત્તિઓ માટે તેમના હાવભાવ આપણા કરતાં અલગ હોય છે. તેઓને ગોળ ફરતી વસ્તુઓ (જેમકે ગાડીના પૈડા, પંખો વગેરે) જોવામાં ખૂબ આનંદ આવતો હોય છે. આ ઉપરાંત તેમને કોઈ એક પ્રવૃત્તિ વારંવાર કરવી પણ ખૂબ ગમે છે (જેમકે હાથ હલાવવા, એક જ રમકડાથી રમતું રહેવું, એક જ ગીત વારંવાર સાંભળવું). આ લોકોને તો ઘણીવાર કોઈક વસ્તુનો સ્પર્શ, કોઈક અવાજ, કોઈક રંગ કે કોઈક વસ્તુની સુગંધ એટલી ગમી જતી હોય છે કે તે કાર્યમાંથી તે બહાર જ નથી નીકળી શકતા. આ દરેક વસ્તુ તેમને ખૂબ આનંદ આપતી હોય છે અને તેમના હાથ હલાવવાના કે બીજા કોઈપણ હાવભાવ તેમના તરફથી પોતાની ખુશી બતાવવાનું એક માધ્યમ છે કારણ કે તેઓ આપણી જેમ બોલીને કે ચહેરા પર સ્મિત કે દુઃખ બતાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતા નથી. આટલું જ નહીં, કેટલાક ઓટિઝમ ધરાવતા બાળકો ને તો કોઈ ચોક્કસ વિષયનું ખૂબ જ્ઞાન પણ હોય શકે છે, કોઈક બાળક ગણિતમાં, કોઈક ચિત્રકલામાં, કોઈક સંગીતમાં તો કોઈક યોગા જેવી પ્રવૃત્તિઓમાં પણ નિપુણ હોય છે. આ બધી વસ્તુઓથી આપણે એવું સમજી શકીએ કે ઓટિઝમ ધરાવતા વ્યક્તિનું પોતાની જાતને વ્યક્ત કરવા માટેનું વિશ્વ અલગ છે જે ખૂબ વિશિષ્ટ છે જેને આપણે પણ સમજી નથી શકતા અને એટલે જ તેઓ આપણી જેમ બોલીને કે બીજી કોઈ પણ રીતે પોતાને સહેલાઈથી વ્યક્ત નથી કરી શકતા. ટૂંકમાં કહીએ તો આ વ્યક્તિની પોતાની સર્જનાત્મકતા અને વિશિષ્ટતા જ એવી છે જે તેને દુનિયાના બીજા બાળકો કરતા કંઈક અલગ અને ખાસ બનાવે છે. ઓટિઝમ ધરાવતા લોકોમાં આ અલગ દ્રષ્ટિકોણ સામાન્ય રીતે જન્મજાત તેમના શરીરમાં થયેલા આનુવંશિક ફેરફારોના કારણે હોય છે. જોકે આજકાલના સમયમાં ફોન કે ટીવીની સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેતા નાના બાળકોમાં પણ ઓટિઝમના લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ શું આ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યક્તિને તેની જ પરિસ્થિતિમાં સ્વીકારી લેવું જોઈએ? ના, આજકાલના સમયમાં એવી સારવાર પણ ઉપલબ્ધ છે જેનાથી આ વ્યક્તિને કદાચ સંપૂર્ણપણે તો આપણી જેમ દુનિયાને જોતા નથી શીખવાડી શકાતું પણ તેના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરીને સામાન્ય લોકો સાથે રહી શકે તેવું ચોક્કસ કરી શકાય છે. આ બધા જ સંવેદનશીલતાને લગતા લક્ષણો તેમજ વર્તનને લગતા લક્ષણો માટે બિહેવિયર થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી જેવી સારવાર ઉપલબ્ધ હોય છે જ્યારે બીજાની વાત સમજવા તથા બોલવાને લગતી તકલીફો માટે સ્પીચ થેરાપી પણ ઉપલબ્ધ છે. ઓટિઝમ જેવી પરિસ્થિતિ ની જાણ જો બે વર્ષની ઉંમર પહેલા જ પરિવારજનોને થઈ જાય તો તેનાથી બાળકને સામાન્ય સમાજમાં રહેતા ખૂબ સહેલાઈથી શીખવાડી શકાય છે. ઓટિઝમ જેવી પરિસ્થિતિઓ માટે સમાજમાં જાગૃતતા ખૂબ જરૂરી છે કારણ કે જેમ કોઈએ ચશ્મા પહેર્યા હોય તો તેને આપણે આપણાથી અલગ નથી માનતા તેમજ જો કોઈ આપણી જેવો જ વ્યક્તિ દુનિયાને જોવાનો એક અલગ દ્રષ્ટિ કોણ રાખે છે તો તેને આપણે આપણાથી અલગ ન સમજીને તેના વિચારોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તેનું જીવન આપણે કદાચ સરળ બનાવી શકીએ. આ આ ઉદ્દેશ થી જ દર વર્ષે બીજી એપ્રિલ ના દિવસે ઓટેઝમ અવેરનેસ ડે ઉજવવામાં આવે છે. - કુંજ વછરાજાની


Helpline Details
+91 9016948137 +91 9016948137
Opening Hours
  • Monday – Saturday
    10:00 AM to 07:30 PM
  • Sunday
    Closed