Sankalp thi Siddhi - Part 1
આજની દુનિયા આધુનિકતા અને રોકેટની ગતિએ દોડી રહી છે. આ દોડધામ ભરેલા યુગમાં દરેક વ્યક્તિ સફળતાના શિખરો સર કરવા મથી રહ્યો છે, પરંતુ ઘણીવાર આપણે આપણી આસપાસ રહેલા એવા અસાધારણ વ્યક્તિત્વોને જોવાનું ચૂકી જઈએ છીએ જેઓ શાંત રહીને પણ ઇતિહાસ રચી રહ્યા હોય છે. આ પુસ્તક એવા જ પ્રેરણાદાયી દિવ્ય આત્માઓની સંઘર્ષગાથા છે.
ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર, રાજકોટ દ્વારા વર્ષ 2024 થી એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય ગુજરાતના શ્રેષ્ઠ દિવ્યાંગ રત્નોને શોધી તેમને 'દિવ્ય રત્ન' અને 'દિવ્ય ભૂષણ' પુરસ્કારથી સન્માનિત કરવાનો છે. સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સ્વીકૃતિ વધે અને દિવ્યાંગો પોતે પણ આત્મનિર્ભર બની આત્મબળથી આગળ વધે તે આ પુરસ્કાર પાછળનો મુખ્ય ધ્યેય છે. સમગ્ર ગુજરાતમાંથી આવતી અસંખ્ય અરજીઓમાંથી વિજેતાઓની પસંદગી કરવી એ અમારા માટે હંમેશા કપરું કાર્ય રહ્યું છે.
'સંકલ્પથી સિદ્ધિ' એ માત્ર એક પુસ્તક નથી, પણ 150 જેટલા એવા યોદ્ધાઓની જીવનયાત્રા છે, જેમણે સંજોગો સામે હાર નથી માની. ભલે પુરસ્કારની એક મર્યાદા હોય, પણ આ 150 પ્રતિભાઓનો જીવનસંઘર્ષ અને તેમની સિદ્ધિઓ કોઈપણ સન્માનથી ઓછી નથી. આ પુસ્તક દ્વારા અમે એવા અણમોલ રત્નોના કૌશલ્યને દુનિયા સમક્ષ લાવવા માગીએ છીએ જેઓ પોતાની મહેનતથી સમાજને નવી રાહ ચીંધી રહ્યા છે.
